અમદાવાદ: અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો ન હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે બુટલેગરોથી પોલીસ પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે અમદાવાદના કણભામાં બુટેલગરે દારુ ભરેલી કારથી પોલીસની કારને ટક્કર મારી હતી. અને આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક ASIનું મોત નિપજ્યું છે અને અન્ય એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. જો કે પોલીસની ગાડીને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના કણભામાં આ ઘટના બની છે. કણભા માં પોલીસ ની ગાડી ને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં ASIનું મોત નિપજ્યુ છે જ્યારે અન્ય એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘવાયા છે. કણભા પોલીસમાં ફરજ બજાવતા ASI બળદેવજી ઠાકોરનું મોત નિપજ્યું છે. બુટલેગરની ગાડીમાં ચિક્કાર દેશી દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર એકદમથી એકશન મોડમાં આવી ગયું છે.
ખાસ કરીને કણભામાં બનેલી આ ઘટના બાદ અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ટીમો કામે લગાવી લીધી છે. જોકે, અહીં એક વાત તો ચોક્કસ છેકે, છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં બુટલેગરો સાવ બેફામ બન્યા છે. તેમને કાયદો કે પોલીસનો કોઈ ભય રહ્યો નથી. હાલ આ મામલામાં પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આરોપીને પકડવા માટે તંત્ર દોડતું થયું છે.
પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી. આ અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં PSI સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો. ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીને લઈ જતી વખતે ટોળાએ PSIને છરીના ઘા ઝીંક્યા હતા. અન્ય 2 પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયાં હતાં અને PSI સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.