અમદાવાદ : અમદાવાદનું એરપોર્ટ કોઈના કોઈ બહાને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં પાર્કિંગ બાબતે માથાકુટો ચર્ચામાં હતી. ત્યાર બાદ રનવેના હિસાબે એરલાઈન્સના ટ્રાફિકના કારણે આ એરપોર્ટ ચર્ચામાં હતું. પરંતુ આ વખતે એક અફવાના કારણે આખું એરપોર્ટ સનસની ગયું હતુ. અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ એરપોર્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન એક બોક્સમાં બોમ્બ હોવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વ્યક્તિએ બોક્સમાં બોંબ હોવાનું કહી સુરક્ષાકર્મીઓને દોડતા કર્યા હતા.
આ અંગે મળતા રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી શાહઝેબ ઈરફાન અહમદ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના અમરાહાનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. શાહઝેબ ઈરફાન વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જઇ રહ્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેના સામાની તપાસ કરી રહ્યા હતા. તપાસમાં સુરક્ષાકર્મીઓએ તેની પાસે રહેલા થર્મોકોલ બોક્સમાં છે તે અંગે પૂછ્યુ હતુ. તેને આ બોક્સમાં રાખેલા સામાન અંગે પુછવામાં આવતા ગુસ્સા સાથે બોક્સમાં બોમ્બ હોવાનું જણાવ્યુ હતું.
વાસ્તવમાં આ બોક્સમાં ખોરાક સહિતની કોઇ વસ્તુ હોય તેવુ લાગી રહ્યુ હતુ, પણ જે રીતે આ વ્યક્તિએ પ્રતિક્રિયા આપી હતી, તે જોઇને સુરક્ષાકર્મીઓ સહિતની પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી.જે પછી સુરક્ષાકર્મચારીઓ દ્વારા બોમ્બની ચકાસણી કરવામાં આવી હતી. શાહઝેબ ઈરફાન અહમદની પણ ચકાસણી અને પુછપરછ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પર જ આવી ઘટના બની હતી. ફ્લાઇટ અમદાવાદથી વાયા દિલ્હી થઈ ચંદીગઢ જઈ રહી હતી. ત્યારે ટિકિટના વિવાદને લઈને પેસેન્જરે બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. ત્યારે બોમ્બ સ્કોવોડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી કાર્યવાહી કરતા જાણ થઈ હતી કે, ફ્લાઇટ રોકાવવા માટે કોઈ વ્યક્તિએ ફોન કરીને અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફોન કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.