અમદાવાદ : અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવા આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ઝૂંબેશ શરુ કરવામાં આવશે.જો હવે તમે રોડ ઉપર પાન- મસાલાની પિચકારી મારશો તો રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.વિવિધ રસ્તા ઉપર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલી CCTV કેમેરાની મદદ લેવાશે.ઉપરાંત લોકો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ ફરજ ઉપર મુકવામાં આવશે.આગામી સમયમાં શહેરના રસ્તા ઉપર લોકોને થૂંકતા,કચરો ફેંકી ગંદકી કરતા અટકાવવા ખાસ પોલિસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરને કલીન સિટી બનાવવાના ભાગરુપે આજથી સમગ્ર શહેરમાં આવેલા જાહેર રસ્તા ઉપર લોકો જાહેરમાં થૂંકતા બંધ થાય એ માટે અસરકારક કામગીરી કરવા આદેશ આપ્યો હતો.કમિશનરે કહયુ,ગુજરાત મ્યુનિસિપલ પ્રોવેન્શિયલ એકટ હેઠળ સત્તા મળેલી છે એનો ઉપયોગ કરી શહેરને વધુ સ્વચ્છ બનાવવા ઝૂંબેશ શરુ કરો.એકટની જોગવાઈ મુજબ,હાલમાં જાહેર રસ્તા ઉપર થૂંકતા લોકો પાસેથી મ્યુનિ.તંત્ર રૂ.50 થી 100 સુધીનો વહીવટી ચાર્જ વસૂલ કરી શકે છે.તેમણે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગની સાથે હેલ્થ તથા અન્ય વિભાગને સંકલન કરી શહેરીજનો જાહેર રસ્તા ઉપર થૂંકતા બંધ થાય એ માટે વિશેષ સ્કવોર્ડ બનાવી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફરજ ઉપર મુકવા સુચના પણ આપી હતી.
જાહેર રોડ ઉપર ઉભા રહી થૂંકી ગંદકી ફેલાવવામાં આવશે તો કોર્પોરેશનની ટીમ દ્વારા રૂ.50 થી 100 સુધીનો દંડ કરવામાં આવશે. જ્યારે વાહન ઉપર જતા સમયે ટૂંકી અને ગંદકી ફેલાવવામાં આવશે તો 50થી લઇ 500 રૂપિયાનો દંડ થઈ શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા CCTV કેમેરા મારફતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરી અને આવા લોકોને ઈ મેમો મારફતે દંડ ફટકારવામાં આવશે.