અમદાવાદ : વડોદરામાં શાળા પ્રવાસ દરમિયાન બનેલી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અસર અમદાવાદની શાળાઓના પ્રવાસ આયોજન પર જોવા મળી છે. અમદાવાદમાં શાળાકીય પ્રવાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં 50 ટકા અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓના પ્રવાસમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તેને ફરજિયાત જિલ્લા શિક્ષણ અધિકારીની મંજુરી લેવાની રહેશે આ ઉપરાંત 27 જેટલા નિયમોનું પાલન ફરજિયાત કર્યું હતું. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. દર વર્ષે અંદાજે 600 જેટલા પ્રવાસના આયોજન શાળાઓ દ્વારા થતા હોય છે.
અમદાવાદ શહેર DEO માં શાળા પ્રવાસની અરજીઓમાં 50 ટકા અને ગ્રામ્ય DEO હેઠળની શાળાઓમાં 80 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. ઘટાડાઓ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે 600 થી 700 અરજીઓ આવતી હોય છે. શાળાઓને પ્રવાસે લઈ જવાના નિયમો અત્યાર સુધી 14 હતા જે વધારી 27 કરવામાં આવ્યા છે. શાળાઓ વધારે જવાબદારી પૂર્વક વર્તી રહી છે.
18 જાન્યુઆરીએ વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જે ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકો સહિત 14ના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા સમજતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.
સાથે જ નોંધણી અને વાહન મોટર એક્ટ મુજબનું હોવા સહિતના નિયમો નિયત કર્યા હતા. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 18 જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધી માત્ર 32 અરજીઓ જ મળી છે. આજ પ્રકારની સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની શાળાઓની જોવા મળી રહી છે. જ્યાં 18 જાન્યુઆરીની હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજીઓ મળી છે.