અમદાવાદ: અમદાવાદના યુવકને અજાણ્યા લોકોને લિફ્ટ આપવી ભારે પડી ગઈ છે. તમે પણ જો અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમે પણ અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો એકવાર આ સમાચાર જરૂરથી વાંચી લેજે. જ્યાં એક એક્ટિવા ચાલકે રસ્તામાં ઉભેલા યુવકને લિફ્ટ આપી તો યુવકએ તેની એકલતાનો લાભ લઇને માર મારવાની ધમકી આપીને પર્સમાંથી રૂપિયા 5500 પડાવી લીધા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના રામોલ વિસ્તારમાં રહેતા ગીરિષભાઇ રાજપુત લોડીંગ રીક્ષા ચલાવીને તેમનું ગુજરાન ચલાવે છે. ગત 18મી ફેબ્રુઆરીએ રાતના નવેક વાગ્યાની આસપાસ તેઓ એક્ટિવા લઇને મણીનગર રેલ્વે સ્ટેશન ખાતે તેમની ભાડે આપેલી રીક્ષાનું ભાડું લેવા માટે ગયા હતાં. પરંતુ ભાડુઆત ના મળતા તેઓ ઘરે પરત જવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન લગભગ સાડા દસેક વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશન સામે એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે રોડ પર એક અજાણ્યા ઇસમએ તેમને રોકીને મારે આગળ જવું છે, તેમ કહીને લિફ્ટ માંગી હતી. જેથી ફરિયાદીએ તેને એક્ટિવા પાછળ બેસાડતા સિધ્ધી વિનાયક હોસ્પિટલ પાસે હીરપુર રેલ્વે કોલોની આવતા તેણે કહ્યું હતું કે, મારે રેલ્વે કોલોની અંદર જવાનું છે, અંદર મુકી જાવને.
જોકે ફરિયાદીએ પોતાને અનુપમ બ્રીજ જવાનું હોવાથી ત્યાં જ ઉતરી જવા માટે કહ્યું હતું. પરંતુ અંદરથી બીજો રસ્તો નીકળે છે, તેમ કહીને આરોપી યુવક તેઓએ અંદરના રસ્તે લઇ ગયો હતો. જ્યાં દેડકી ગાર્ડનના પાછળના ભાગે જ્યાં રસ્તો બંધ હોવાથી ફરીયાદીએ એક્ટીવા ઉભી કરી દીધી હતી. જેથી આરોપીએ તેને ધમકી આપી હતી કે તારુ પાકિટ આપી દે નહીતર મારા માણસોને બોલાવીને તને માર મારીશું, ફરિયાદી ગભરાઇ જતાં તેણે પાકીટ આપી દીધું હતું.