અમદાવાદ : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં જયભવાની નામની જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે લગભગ સાડા નવ કલાકની આસપાસ એકાએક 4 શખ્સ દુકાનમાં ધસી આવ્યા હતા અને દુકાનદારને બંદૂક બતાવી મારી નાંખવાની ધમકી આપી લગભગ 11 લાખથી વધુની કિંમતના દાગીના લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.મહત્વપૂર્ણ છે કે મણિનગરમાં જ્વેલર્સની જે દુકાનમાં ચોરી થઇ ત્યાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ સર્કલ પાસે આવેલ જય ભવાની જ્વેલર્સની દુકાનમાં કેટલાક લોકો ઘુસ્યા હતા. અને દુકાનદારને રીવોલ્વર બતાવી ઝપાઝપી કરી હતી. સાથે જ ઇસકો ઠોક દે તેવી ધમકી આપીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ દુકાનદારે કહ્યું હતું કે, તમારે જે લઇ જવું હોય તે લઇ જાવો પણ મને કઇ ના કરતા, તેમ કહીને સાઇડમાં ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો હતો. તે બાદ જ્વેલર્સની દુકાનની ડિસપ્લેમાં મુકેલા સોનાના દાગીના ભરેલી ટ્રે ભેગી કરી હતી અને 11 લાખથી વધુ લાખના દાગીના કાપડની થેલીમાં મુકીને આ ઇસમો ફરાર થઇ ગયા હતા. સાથે જ દુકાનદારનો મોબાઇલ ફોન પણ પડાવી લીધો હતો.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લીધા હતા તેમજ નાકાબંધી કરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ધમકી આપીને લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. જ્યા ચોરી થઇ તે જ્વેલર્સની દુકાનમાંથી માત્ર 200 મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલી છે. લૂંટારૂઓને જાણે પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.