અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં રિડેવલપમેન્ટનો મુદ્દો હોટ ટોપિક બન્યો છે, એમાંય ખાસ કરીને ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચર્ચામાં જોરશોરથી છે, ત્યારે રાજકોટના હાઉસીંગના એક રો-હાઉસને લીઝડીડમાંથી ફ્રી હોલ્ડ કરાવવાના 1 કરોડ ભરવા માટે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જણાવતા રો-હાઉસના માલિક સહિત હજારો હાઉસીંગ રહીશો ચોંકી ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ એક હાઉસીંગ રો-હાઉસ ધારક દ્વારા હાઉસીંગ બોર્ડ દ્વારા ફળવાયેલ 195.90 ચોમી માપ ધરાવતા રો-હાઉસની જમીન લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવા માટે અરજી કરી હતી, જેના જવાબમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બે પાનાનો લાંબો લચક પત્ર અને પત્રમાં લખેલ ભરવાની રકમ વાંચી અરજદાર અશોક કામદાર ચોંકી ગયા હતાં.ગુજરાત હાઉસીંગ બોર્ડના પત્ર મુજબ આપના રો-હાઉસની જમીનનું ક્ષેત્રફળ 195.90 ચોરસ મીટર તેમજ વરાળે પડતી રોડ/રસ્તાની જમીનનું ક્ષેત્રફળ 96.07 ચોરસ મીટર. બંને મળીને કુલ 291.97 ચોરસ મીટર જમીનની જંત્રી 35,000 પ્રતિ ચોરસ મીટર પ્રમાણે કુલ 1,02,18,950 (અંકે એક કરોડ બે લાખ અઢાર હજાર નવસો પચાસ પૂરા) કિંમત વસૂલ કરી ફ્રી હોલ્ડ દસ્તાવેજ કરી આપવામાં આવશે એવું જણાવ્યું હતું.
સમગ્ર મામલે નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણે વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે આ મામલે નાગરિક સેવા સંગઠનની રાજકોટની કોર કમીટીના સભ્યો અશોકભાઈ કામદાર,મહેન્દ્રભાઇ કામદાર, વિમલભાઇ ગોધાણી, શિરીષભાઇ પંડયા, હીરેનભાઇ મહેતા દ્વારા હાઉસીંગ બોર્ડના સેક્રેટરી રાજદેવસિંહ ગોહિલ સમક્ષ રો-હાઉસને નવા બનાવવા માટે પ્લાન પાસ કરાવવા માટે ફરજીયાત લીઝડીડ માંથી ફ્રી હોલ્ડ કરાવવા માટે સરકારે જે પરિપત્ર કરેલ છે એને રદ કરવામાં આવે અથવા ફ્રી હોલ્ડ માટે અન્ય રાજ્યોની જેમ જંત્રીના 5 થી 10% મુજબ ગણવાની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હાઉસીંગ સેક્રેટરી તરફથી ખુબ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો અને સાથે જણાવ્યું હતું કે હાઉસીંગ બોર્ડ તરફથી દરખાસ્ત આવશે તો આ અંગે 100% સરકારનું ધ્યાન દોરવાની હૈયાધારણ આપવામા આવી હતી.
સમગ્ર મામલે નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ ફ્રી હોલ્ડ હાલ સરકાર રો-હાઉસ, બંગલા અને ખુલ્લા પ્લોટમાં કરી આપે છે, જ્યારે એપાર્ટમેન્ટમાં જ્યારે આપણે કન્વીયન્સ ડીડ એટલે કે દસ્તાવેજ કરીએ છીએ, એમાં મુદ્દા હાઉસીંગ નં 7 સી માં લખેલુ છેકે, સદરહુ સોસાયટીએ લીઝડીડ કરાવી લેવી, પરંતુ કોઈ જ સોસાયટીએ લીઝડીડ બનાવવાની તસ્દી લીધી નથી. કન્વીયન્સ ડીડમાં લીઝડીડનો ઉલ્લેખ હોવાથી હાઉસીંગ બોર્ડે ઠરાવ કર્યો છે એમાં લખેલુ છે કે, દરેક સોસાયટીઓની લીઝડીડ છે માટે ફ્રી હોલ્ડ કરાવવું હોય તો નિયમ મુજબ સોસાયટીઓએ પહેલા ફરજીયાત લીઝડીડ કરાવવી પડે અને લીઝડીડમાં ઉલ્લેખ છે કે, રહેણાંકના હેતુ માટે લીઝડીડ કરેલ છે એટલે કોમર્શિયલ ના થઈ શકે, મારા માનવા મુજબ આજ કારણસર ગુજરાત સરકારે એપાર્ટમેન્ટ ટાઈપની કોલોનીઓમાં હજુ સુધી ફ્રી હોલ્ડની મંજુરી આપી નથી. મંજુરી આપે તો દરેક સોસાયટીઓને લીઝડીડ કરી આપવી પડે. હાલમાં રિડેવલપમેન્ટમાં દરેક સ્કીમોમાં બિલ્ડરો કોમર્શિયલ કરી રહ્યા છે, મારા મતે એ બધા ગેરકાયદેસર છે….
અહીં તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો ઇમારત, રો હાઉસ અથવા ટેનામેન્ટ્સ સહિતના રહેણાંક એકમોનો કબજો ધરાવતા લોકો એક નિશ્ચિત સમયગાળા માટે જે સામાન્ય રીતે 99 વર્ષ હોય છે આ મિલકતોને લીઝ પર ધરાવે છે. તેથી તેઓ આ મિલકતો વેચવાની સ્થિતિમાં નથી હોતા કારણ કે આ મિલકતો ફ્રી હોલ્ડ નથી ગણાતી.રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે 30 જુલાઈ, 2021ના રોજ ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, સરકારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીને એક વખતની ફિક્સ જંત્રીની ચુકવણી કરવાથી ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ વિકલ્પ હાલ સરકારી જમીન પરના રો-હાઉસ, ટેનામેન્ટ અને રહેણાંક પ્લોટ પર જ ઉપલબ્ધ છે. આ વિકલ્પ એપાર્ટમેન્ટ ટાઈપની કોલોની પર ઉપલબ્ધ નથી, પરંતુ એપાર્ટમેન્ટ ટાઈપની કોલોનીઓ માટે નાગરિક સેવા સંગઠન લડત ચલાવે છે અને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.