અમદાવાદ : શહેરમાં ગત બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક જ દિવસમાં 6 જગ્યાએ દરોડા પાડીને દેશી-વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. બીજી તરફ આ રેડના પગલે અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પોલીસ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં DCP, ACP અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિ બંધ કરાવવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની અમદાવાદમાં સતત કાર્યવાહી બાદ એક પરિપત્ર જાહેર કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેમાં DCP, ACP અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સૂચના આપી છે. જેમાં પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા જણાવ્યું છે. દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં ચાલે નહીં તેની તકેદારી રાખવા પરિપત્ર કર્યો છે. બેજવાબદાર કર્મચારી અને અધિકારી વિરૂદ્ધ પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. PCBની ટીમને પણ વધુમાં વધુ રેડ કરવાની સૂચના આપી છે.
અમદાવાદ કમિશનરે જાહેર કરાયેલ પરિપત્ર મુજબ શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તમામ DCPને તેમના નીચેના ACP અને અન્ય અધિકારીઓ પર નજર રાખવા સૂચના આપી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક જ રાતમાં શહેરના ઓઢવ, સોલા, વાડજ, કૃષ્ણનગર તથા નિકોલ સહિત છ સ્થળે દરોડા પાડીને દારૂના અડ્ડાઓ પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.