અમદાવાદ: અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રેમી સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે કોન્સ્ટેબલના પ્રેમીએ અમદાવાદની પાલડીની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે મામલે એલીસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અને વાસણામાં રહેતા મહિલા કર્મચારી લલિતા પરમારે તેના મિત્રના ત્રાસના કારણે આત્મહત્યા (Suicide) કરી તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાના પરીણિત પ્રેમી જશુ રાઠોડે પણ હોટેલના રૂમમાં આત્મહત્યા કરી છે. પોલીસે મહિલા કર્મચારીની આત્મહત્યા પછી જશુ રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસકર્મી લલિતા પરમારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ગામમાં રહેતા જશવંત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો.તે અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. પ્રેમી નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો.
વાસણા પોલીસે મૃતક મહિલાના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં રહેતા જશવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી તે દરમિયાન જ જશવંત અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પાલડી ખાતેની સરગમ હોટેલ ખાતે રોકાયો હતો અને બીજા દિવસે જશવંતે હોટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.