અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 1650 કરોડની બે યોજનાઓનો શુભારંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલ ઘાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા સ્કૂલ ખાતેથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થિનીને 50 હજારની સહાય ચૂકવાશે.જ્યારે ધોરણ 10માં 50 ટકાથી વધુ ગુણ મેળવી ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થિનીને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25 હજારની સહાય મળશે… વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે હેતુથી બે યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે.આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને નમો લક્ષ્મી યોજના અંતર્ગત રૂપિયા 50,000ની નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને આપવામાં આવશે. આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ આ ધોરણોમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે અને સાથે તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી કન્યા સશક્તિકરણ થશે. નમો લક્ષ્મી યોજના માટે ગુજરાત બજેટ 2024-25માં અંદાજિત રૂપિયા 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂપિયા 25,000ની સહાય ચૂકવવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ગુજરાત બજેટ 2024-25 માં અંદાજિત રૂપિયા 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે PM મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી છે.