અમદાવાદ : લોકસભા ચૂંટણીના બ્યુગલ ફુંકાઈ ચૂક્યા છે. દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે તેઓએ અમદાવાદમાં મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધન કર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા શ્રી ભીડભંજન હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી છે. અમિત શાહે એક સભા પણ સંબોધી, જેમાં તેમણે જણાવ્યુ કે 1500 રાજનીતિક પાર્ટીઓની વચ્ચે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે કે જેણે રસ્તા પર પડદા અને પોસ્ટર લગાવનારને દેશના ગૃહ પ્રધાન બનાવ્યા છે.એક બુથના અધ્યક્ષથી પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે.
અમિત શાહે જણાવ્યુ કે ભાજપ જ એક માત્ર એવી પાર્ટી છે કે જેણે ચા વેચનારા એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન બનવા સુધીની સફર કરાવી છે.તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના શાસને દેશને 10 વર્ષમાં સમૃદ્ધ કરવાનું કામ કર્યુ છે.નરેન્દ્રભાઇએ 60 કરોડથી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યુ છે. તેમણે દેશની-માતાઓ બહેનોને 33 ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્થ કર્યો છે.
અમિત શાહે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયાથી દેશના યુવાઓને વિશ્વના યુવાનો સામે ઊભા રહેવાનો એક મંચ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે ભાજપના રાજમાં આતંકવાદ,નક્સલવાદ, ઘૂષણખોરી નાબૂદ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 એક ઝાટકે નાબુદ કરાયા છે.
તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે 30 વર્ષ પહેલા ધારાસભ્યનું ફોર્મ ભરતા પહેલા મેમનગરમાં શ્રી ભીડભંજન હનુમાન મંદિરમાં દર્શન કરી ફોર્મ ભર્યું હતું.આજે પણ તેઓએ આ મંદીરમાં દર્શન કરી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને હાર ચઢાવી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
અમિત શાહ મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક કરશે. આ બેઠકમાં ગાંધીનગર લોકસભાના તમામ હોદ્દેદારો તથા ધારાસભ્યો હાજર રહેશે. બેઠકમાં અત્યાર સુધી કરવામાં આવેલા કામો અંગે અમિત શાહને માહિતી આપવામાં આવશે.