અમદાવાદ : અમદાવાદમાં ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા બાદ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મીડિયા સેન્ટરની શરુઆત કરવામાં આવી છે. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના ધારાસભ્યો, સંગઠનના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પાર્ટી સંબંધિત તમામ સમાચાર આ મીડિયા સેન્ટરમાંથી મળી રહે તે હેતુ સાથે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને તમામ પક્ષો જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષે ગુજરાતમાં તમામ માહિતી એક સેન્ટરથી મળે તે હેતુસર અમદાવાદમાં મીડિયા સેન્ટરની શરૂઆત કરી.
મીડિયા સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ નેતા સી.આર.પાટીલે મિડીયાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં અમે ગુજરાતમાં 26માંથી 26 સીટ બેઠક પર જીત મેળવીશું. અમે બે વખત 26માંથી 26 બેઠક જીત્યા છીએ. આ વખતે અમે દરેક સીટ 5 લાખ ના માર્જિનથી જીતીશું તેવો અમને PM મોદી સાહેબ પર વિશ્વાસ છે. કારણે કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે.
લોકસભા ચૂંટણીને લઇને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોન્જની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરેન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.