અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારી મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આરોપી હિતેશ મેવાડા અને ભરત પટેલની ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી હતી ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ત્રણ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યા પોલીસે ત્રણેય આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે છરી વાપરવામાં આવી છે. એટલે તપાસના બાબતે કેટલાક મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા, કોર્ટે 10 દિવસના રિમાન્ડની સામે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ ત્રણેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના બ્લોકમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. એને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તેમને A બ્લોકમાંથી NRI હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં વિદ્યાર્થીઓ NRI હોસ્ટેલમાં આવશે. NRI હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હોટલના રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અગાઉ જે સુવિધાઓ મળતી હતી એનાથી પણ વધુ સુવિધાઓ નવનિર્મિત NRI હોસ્ટેલમાં મળી રહેશે.