અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ 26 સીટો પર મતદાન યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ પાર્ટી 24 તો આમ આદમી પાર્ટી 2 સીટો પર ચૂંટણી લડવાની છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક જણાવવામાં આવી રહી છે. ગુજરાતમાં આપ, કોંગ્રસ અને ભાજપની સાથે હવે આ બેઠકો પર ઓવૈસીના AIMIM પક્ષની એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો છે.ગુજરાતની ભરુચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન હેઠળ AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, સામે ભાજપમાં સાંસદ મનસુખ વસાવાનું નામ રિપીટ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉપરાંત વધું એક પાર્ટી આ બેઠક પર પોતાની કિસ્મત અજમાવવા મેદાને ઉતરશે.ભરૂચ સીટ પર મોટો રાજકીય દાવ થવા જઈ રહ્યો છે. આ ખબર સામે આવતા જ રાજકીય વર્તૃળમાં ચર્ચાઓ જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, ગાંધીનગર બેઠક પરથી ભાજપ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જોકે, તેની સાથે કોંગ્રેસમાંથી સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે. એટલે કે હવે અહીં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.