અમદાવાદઃ શહેરના ડ્રગ્સના વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચ અને SOG બાજ નજર રાખી રહ્યું છે. અને છૂટક ડ્રગ્સનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે. તેની જાણકારી મેળવવા માટે બાતમીદારોને કામે લગાડાયા છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં ગાજ બટન અને સ્ટીમ પ્રેસની એક દુકાનમાં MD ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું હોવાની SOGને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. પોલીસે આઠ લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે સલીમ નામના આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે SOG એ ગઈ રાત્રે એક ટીમ તૈયાર કરીને રેડ કરવામાં આવી હતી. જેમાં રેડ કરતા દુકાનમાંથી 85 ગ્રામ 250 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 8 લાખ અને 22 હજાર થવા પામી હતી અને દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો શખ્સ સલીમ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર રેકેટમાં કોણ રિસિવર હતું અને કયાં ડ્રગ્સ કઈ રીતે પહોંચાડવાનું હતું તે જાણવા માટે પણ SOG દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ SOG એ આરોપી સલીમ શેખની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભરત નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાની નાની પડીકી કરીને વેચાણ કરતો હતો. આ ડ્રગ્સનો જથ્થો છેલ્લા છ માસથી વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ SOGએ ભરત નામના શોધખોળ શરૂ કરી છે.