અમદાવાદ : અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. જેમાં જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે.જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે શુક્રવારે સાંજે અને શનિવારે સવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં પાણીની લાઈનના રિપેરિંગ કરવાને કારણે પાણી સપ્લાય બંધ કરવાનો હોવાથી શુક્રવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં. શનિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળી શકશે.
AMCના ઇજનેર ખાતાના જણાવ્યા મુજબ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની લાઈનના રિપેરિંગ કરવાને કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા નવાવાડજ, સરખેજ, થલતેજ, બોડકદેવ, એસજી હાઈવે વગેરે વિસ્તારમાં અસર થશે. આથી ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, નારણપુરા, બોપલ, ઘુમા, જોધપુર, સેટેલાઈટ, સરખેજ, મકતમપુરા, ફતેવાડી, જુહાપુરા, આનંદનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં આજે સાંજે સંપૂર્ણ પાણીકાપ અને કાલે શનિવારે સવારે પણ ઓછું પાણી આપવામાં આવશે.
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં એસજી હાઇવે તરફ જતી 2200 એમએમની મુખ્ય ટ્રંકલાઈનનો ફ્લાય વાલ્વનું ગિયર બોક્સ ખરાબ થઈ ગયું હોવાથી આજે શુક્રવારે સવારે પાણી સપ્લાય બાદ તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રમજાન મહિનો અને ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે પાણીકાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ થોડી તકલીફનો સામનો કરવો પડશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વોટર સપ્લાયમાં ધાંધિયા ચાલતા હોવાથી લોકો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.