અમદાવાદ : સ્વાઈન ફ્લૂ વચ્ચે ગુજરાતમાં કોરોનાએ પણ ફરી એન્ટ્રી કરી છે. ગત માર્ચમાં કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ગુજરાતમાં કોવિડના 42 એક્ટિવ કેસ છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 5 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કે કોરોનાના ત્રણ દર્દીઓ છે. કોવિડના ત્રણમાંથી બે દર્દી ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર થયા છે. તો સ્વાઈન ફ્લૂના પાંચમાંથી ત્રણ દર્દીની તબિયત ગંભીર છે. કુલ 5 દર્દીમાંથી 4 દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી 2 મહિલાઓ અને 1 પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
હાલ આ પરિસ્થિતિ વચ્ચે કોરોના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 71 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ખાંસી અને શરદી દરેકને પરેશાન કરી રહી છે. પરંતુ તે કોરોના વાયરસ ચેપ પણ હોઈ શકે છે. કોવિડના આ લક્ષણો પર ધ્યાન આપો. ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, શરદી, ગંધ ન આવવી, ન્યુમોનિયા જેવા લક્ષણો અને આંખમાં ચેપનો સમાવેશ થાય છે. જોકે મોટાભાગના લક્ષણો હળવા દેખાય છે.