અમદાવાદ : દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેના લીધે હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે. હિટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપી બચાવવા અંગે જરૂરી સગવડ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉનાળાની ગરમીમાં દર્દી, દર્દીના સગા કે સિવિલ કેમ્પસમાં આવેલ કોઈપણ વ્યક્તિને ઠંડુ પાણી પીવડાવવા માટે ઇ-રીક્ષા કેમ્પસમાં ફેરવવામાં આવી રહી છે. તેમજ આ વર્ષે પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પાણી વગર ડીહાઇડ્રેશનના કારણે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તે હેતુથી ઓપીડી વિભાગોમાં દર્દીને પાણી પીવાના પાણીના કુલર કે પરબ સુધી પણ જવુ ન પડે તે માટે દર્દીને તેની જગ્યા એ જ પાણીના જગ દ્વારા તરસ છીપાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મેડીસીટી કેમ્પસમાં ફરતી પાણીની ઇ-રીક્ષા તેમજ સિવિલ હોસ્પિટલ અને 1200 બેડ OPD માં દર્દીને તેની જગ્યાએ જઈ પાણી પીવડાવવાની સગવડ પણ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ ગરમીમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ કામથી બહાર નીકળવાનું થાય તો પાણીની બોટલ કે લીંબુ સરબત સાથે રાખી વારંવાર પીવા સલાહ આપી છે. વધુંમાં તડકામાં કામ કરવું પડતું હોય તેવા મજૂર વર્ગ પણ શક્ય હોય તો સવાર સાંજ એક ઍક કલાક વહેલા તેમજ મોડા કામ કરી બપોર 12 થી 4 ના અસહ્ય તડકાથી બચવું જોઇએ તેવી અપીલ કરી છે. આ સિવાય જો તમને ઉલટી ઉબકા આવે, ચક્કર આવે, આંખે અંધારા લાગે, ગભરામણ જેવા લક્ષણો લાગે તો તાત્કાલિક નજીકમાં ડોકટરની સલાહ લેવી જોઈએ તેમ જણાવવામાં આવ્યુ છે.