અમદાવાદ: તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યમાં મોટાભાગના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના ચૂંટણી કાર્ડમાં નામ, સરનામું કે પછી નામ ઉમેરવું કે કમી કરવું જેવી પ્રક્રિયાઓ કરતા હોય છે. ઇલેક્શન કમિશન દ્વારા પણ ખાસ ચૂંટણી કાર્ડમાં આ પ્રમાણેની કામગીરી માટે કવાયત હાથ ધરવામાં આવતી હોય છે. જોકે આ સમયનો લાભ હવે સાઇબર ગઠિયાઓ લઈ રહ્યા છે. સાયબર ગઠિયાઓ ચૂંટણી સમયે વધુ સક્રિય થયા છે અને જે લોકો ઓનલાઈન ચૂંટણી કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવા માટે સર્ચ કરે છે તેમના સુધી સાયબર ગઠિયાઓ પહોંચી રૂપિયા પડાવી રહ્યા છે. આ પ્રમાણેના ફ્રોડના અનેક લોકો શિકાર થયા હોવાની પણ માહિતી સામે આવી છે.
મહત્વનું છે કે લોકસભાની ચુટણી હોવાથી અને સમય બચાવવા લોકોમાં ઓનલાઈન કાર્યવાહી કરવાનું ચલણ વ્યાપક બન્યુ છે. પરંતુ હવે લોકો એ જાગૃત થવાની જરૂર છે.. જો તમારા મોબાઈલ પર એવો મેસેજ આવે કે આપના ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે આ લીંક પર કલીક કરો તો ભુલથી પણ ન કરતા કારણ કે તેનાથી તમારી અંગત માહિતી, ફોટો અને બેંકની માહિતી સાયબર ગુનેગાર સુધી પહોંચી જાય છે અને તેઓ ઓનલાઈન છેતરપિંડી ઉપરાંત બ્લેકમેઇલ કરીને પૈસા પડાવે છે.
જે રીતે લોકો ઓનલાઈન ચૂંટણી કાર્ડમાં ફેરફાર માટે સર્ચ કરતા હોય છે તેવા લોકોને સાયબર ગાંઠિયાઓ દ્વારા એક મેસેજ મોકલવામાં આવતો હોય છે જેમાં એક ડમી એટલે કે ખોટી લીંક મોકલવામાં આવતી હોય છે જે બાદ સાયબર ગઠિયાઓ લોકોનો સંપર્ક કરી તેને તે લિંક ઓપન કરી તેમાં તેની માહિતીઓ ભરવા માટે કહેતા હોય છે આ માહિતીઓ ભર્યા બાદ તેમનું કામ થઈ જશે તેવી બાહેંધરી આપતા હોય છે જેના દ્વારા સાયબર ગઠિયાઓ આવા લોકોની તમામ માહિતીઓ મેળવતા હોય છે જે બાદ તેમના એકાઉન્ટ માંથી રૂપિયા પડાવી લે છે આ ઉપરાંત સાયબર ગઠિયાઓ પાસે લોકોની માહિતી આવતા જ તે તેને ચૂંટણી કાર્ડમાં ફેરફાર માટે પૈસા ભરવાનું કહેતા હોય છે અને પોતાના એકાઉન્ટમાં આ પ્રમાણે રૂપિયા જમા કરાવતા હોય છે.
જેથી સાયબરના અધિકારીઓએ આવી લિંકથી દૂર રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઈટ ચકાસવાની સૂચના આપી છે. જેથી સાયબર ક્રાઇમની નવી મોડ્સ ઓપરેન્ડીથી લોકોને સાવચેત કરી શકાય.