અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ નથી તે રીતે ત્રાસ વધારી રહ્યા છે. આજે એક સાથે બે ઘટનાઓ સામે આવી છે, મીડિયા રિપોર્ટ મુજબ અમરાઈવાડીમાં ઈંડાની લારી પર જમવા આવેલા બે મિત્રો અંદરો અંદર ઝઘડવા લાગ્યા હતાં, જેથી યુવકે કહ્યું કે અહિયાં ઝઘડો કરશો નહીં. જ્યારબાદ ઝઘડી રહેલા બંને શખ્સોમાંથી એક તેની પાસે રહેલી ચાકુ કાઢીને ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકના પેટમાં તથા કમરના ભાગે એમ ચાકુના બે ઘા મારી દીધા હતાં.આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા બે શખ્સો ફરાર થઈ ગયા હતાં અને ઘાયલ યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર લીધા બાદ યુવકે બે શખ્શો વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતે તલવારો લઈને લારી ગલ્લા ચલાવતા ગરીબ લોકો પર હુમલો કરવો તે હવે સામાન્ય બની ગયું છે. ગત રોજ લારી પર જમવાનું લેવા આવેલા બે શખ્સોએ ઓર્ડર આપ્યા બાદ લારી પર ઉભા રહીને ગાળો બોલતા હતાં, જેથી વેપારીએ ગાળો નહી બોલવાનું કહેતા બંને શખ્સો જતા રહ્યા હતા. બાદમાં રીક્ષામાં ચાર શખ્સો તલવારો અને ઘાતક હથિયારો લઈને આવ્યા અને ફેરીયાને તલવારના ઘા માર્યા ઉપરાંત રોડ પર પાર્ક કરેલી રીક્ષાના કાચ પણ ફોડી નાંખ્યા હતાં. આ મામલે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી રાહતનો શ્વાસ લીધો છે.