અમદાવાદ : AMC તંત્ર દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન અમલમાં છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા CCTV કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર (ફુવારા) લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના DyHo ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, AMC તંત્ર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના ગરમીમાં લોકોને રાહત મળે તેના માટે ટ્રાફિક જંકશન ઉપર આવેલા CCTV કેમેરાના નીચે ઓટોમેટિક સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ બંધ થશે. 60 સેકન્ડથી લઈ 120 સેકન્ડ સુધી ટાઈમર પ્રમાણે ચાલશે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.
View this post on Instagram
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે AMC તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ સ્પ્રિંકલર પ્રોજેક્ટને બે દિવસમાં સારો પ્રતિસાદ મળશે તો શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન ઉપર સીસીટીવી કેમેરાની નીચેના ભાગે સ્પ્રિંકલર લગાવવામાં આવશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના 305 જેટલા સીસીટીવી કેમેરામાંથી 120 જેટલા સીસીટીવી કેમેરા બપોરે 12 થી 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવી અને ત્યાં પાણીનું ડ્રમ મૂકવામાં આવ્યું છે. એક વ્યક્તિ ત્યાં હાજર રહેશે. પાણી ખાલી થશે તરત જ તેને ટેન્કર દ્વારા ફરીથી ભરી દેવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ જંગલો ઉપર પણ સ્પ્રિંકલર લગાવવામાં આવશે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.