અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે. શહેરના નરોડાના વિસ્તારમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.ધોળે દિવસે યુવક ઉપર ભરચક વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. આ ફાયરિંગના બનાવમાં સ્થાનિક પોલીસે સીસીટીવીમાં દેખાતી શકમંદ વ્યક્તિની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નરોડાના સુમિતનાથ સોસાયટી પાસે સવારે 10:30થી 11:00 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બે શખસે 30થી 32 વર્ષના આસરાના હર્ષિલ ત્રાબડિયા પર બે રાઉન્ડ ઉપરાઉપરી ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગમાં હર્ષિલના કોણીના ભાગે ઈજા થઈ હતી. જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કયા કારણોસર ગોળીબાર કરવામાં આવ્યો તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.