અમદાવાદ : અમદાવાદીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકર શરૂ કર્યા બાદ સાત ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા જોઇ AMTSનાં સત્તાધીશોએ પર્યાવરણ સુધારણાનાં નામે વધુ 60 ડબલ ડેકર બસો ખરીદીને રોડ ઉપર દોડાવવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ AMTS દ્વારા પર્યાવરણ અને મુસાફરોની સવલતને ધ્યાને રાખી એક મોટો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં અમદાવાદમાં વાસણાથી ચાંદખેડાના રૂટ પર ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની શરૂઆત કરાઇ હતી. જોકે હવે આ ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની લોકપ્રિયતા અને પર્યાવરણ સુધારણાને ધ્યાને રાખી નવી 60 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.હાલમાં સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે તે ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે. આવી સ્થિતિમાં નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવનાર છે તે ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે કે કેમ તે જોવું રહ્યું.
AMTSનાં સત્તાધીશોને હવે પોતાની માલિકીની એક પણ બસ જાતે ચલાવવામાં રસ નથી અને હાલમાં પર્યાવરણનાં નામે સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ લાવવામાં આવી છે, તે પણ ખાનગી ઓપરેટરોને સોંપી દેવાઇ છે અને નવી 60 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવનાર છે તે પણ ખાનગી ઓપરેટરોને જ ચલાવવા અપાશે તે નિશ્ચિત છે.