અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા ખાતે BJP મહિલા મોરચા સંમેલનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMC ડમ્પરની ટક્કરને કારણે અકસ્માત નોંધાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.જેમાં 5થી વધુ મહિલાઓને ઇજા થઇ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાંકરિયા પિકનિક હાઉસ ખાતે લોકસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં BJPનું મહિલા સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ મહિલાઓ બસની રાહ જોઈ બહાર ફૂટપાથ ઉપર ઉભી હતી. જે દરમિયાન ડમ્પરની ટક્કરથી દિવાલ પડતા 5 થી વધુ મહિલાઓને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સથી LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
AMCનું ટેન્કર દીવાલને અથડાતા દિવાલ પડી ગઈ હતી અને બહાર ફૂટપાથ ઉપર ઉભેલી મહિલાઓ ઉપર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે.