અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી હુક્કાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ કરી દેવામાં આવ્યા હતા.છતાં અમદાવાદના સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયું છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં માલિક, મેનેજર અને કર્મચારીઓ સહિત 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેફેમાંથી 6 હુક્કા, 75 અલગ અલગ ફલેવરના પેકેટ મળ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં સરખેજ પોલીસે બાતમીના આધારે સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલ નજીક આવેલા લોંજ કાસાનોવા રેસ્ટોરન્ટની આડમાં ચાલતા હુક્કાબારને ઝડપી પાડ્યું છે. પોલીસની રેડ દરમિયાન માલિક, મેનેજર અને કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત 32 ગ્રાહકો અલગ અલગ ટેબલ પર બેઠા હતા. પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.
હુક્કાબારમાં રેડ દરમિયાન માલિક પિંકેશ પટેલ અને મેનેજર ધર્મેશ બગડા સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત પિંકેશ પટેલની તપાસમાં રાજદીપ સોની અને ધર્મેશ બગડા પણ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું હતું. હુક્કાબારમાંથી પોલીસે હુક્કા, ફ્લેવરના પેકેટ, કોલસો, પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. આ હુક્કાબાર પકડાયા બાદ એવી પણ ચર્ચા જાગી છે કે, શહેર હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદે રીતે હુક્કાબાર ધમધમી રહ્યાં છે.