અમદાવાદ : IPL ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે ક્રિકેટ સટ્ટાની પણ પ્રવૃત્તિ વધી છે ત્યારે ચાંદખેડા સર્વેલન્સની ટીમે શહેરમાં ઓનલાઈન આઈડી મારફતે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા નેટવર્કિંગનો પર્દાફાશ કરીને 6 આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચાંદખેડા સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીને આધારે જગતપુરમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબની સામે સ્થિત આકાંક્ષા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં 10 શખ્સ ક્રિકેટ મેચ પર ઓનલાઈન આઈડીથી સટ્ટો રમાડતા હતા. પોલીસે ત્યાં બાતમીને આધારે દરોડા કરીને 6 આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યા હતાં. અને તેમની પાસેથી પાંચ લેપટોપ, 17 નંગ મોબાઈલ, એક નંગ ટીવી, મળી કુલ 4.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે ઉપરાંત આરોપીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે.
પોલીસે દિલ્હી સ્થિત રહેલા આરોપી રાહુલ ચોરસિયા તેમજ મુંબઈના વિન્ની પાસેથી આઈડી લઈને તેના આધારે અલગ અલગ એપ્લિકેશનો મારફતે ઓનલાઈન જુગાર રમાડતો હતો. IPLની કોલકાતા અને લખનઉ વચ્ચેની મેચમાં ક્રિકેટ સટ્ટાના સોદાઓ ઓનલાઈન કરી તેના પૈસા કપાવીને વિવિધ આંગડિયા પેઢીઓ દ્વારા મેળવી લેવાતા હતાં.
પોલીસે પકડેલા આરોપીઓમાં પ્રવિણ મોહનલાલ ઘાંચી, દિપક મોહનલાલ, યતીન ખુરાના, આશિષ પાલીવાલ, હરેન્દ્ર ડિડેલ, બસંત લાદાજીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ આકાંક્ષા એપાર્ટમેન્ટ તથા તેની પાસેના ફ્લેટમાં રહે છે અને મુળ રાજસ્થાનના છે. તે ઉપરાંત મુંબઈના રાહુલ ચોરસિયા, દિલ્હીનો વિન્ની, સુદીપ જૈન અને અરૂણને વોન્ટેડ જાહેર કરાયા છે.