અમદાવાદ : ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા છે. સી.આર.પાટીલ મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર છે. અહેવાલો મુજબ, ક્ષત્રિય આંદોલન પૂર્ણ થવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે.
પુરશોત્તમ રૂપાલા આવતી કાલે જ્યારે લોકસભાની રાજકોટ બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર ભરવાના છે તે પહેલા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાનો સૌથી મોટો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજ સાથે પડેલી ગૂંચ ઉકેલવાના ભાજપે પ્રયાસ તેજ કર્યા છે. અહેવાલો મુજબ, મુખ્યમંત્રી નિવાસસ્થાને CM, સી.આર.પાટીલ,હર્ષ સંઘવી વચ્ચે બેઠક ચાલી રહી છે. તો બીજી તરફ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સમાજના અગ્રણીઓની બેઠક ચાલી રહી છે. રાજપૂત સંકલન સમિતિની છેલ્લા ત્રણ કલાકથી બેઠક ચાલી રહી છે. બેઠકમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ રાજપૂત સમાજના અગ્રણી સાથે બેઠક થાય તેવી શક્યતા છે. સંકલન સમિતિના મોટાભાગના સભ્યો રાજપૂત સમાજ ભવન પહોંચી ચૂંક્યા છે. રમજુભા જાડેજા, જે.પી.જાડેજા બેઠકમાં હાજર છે. આ ઉપરાંત પી.ટી.જાડેજા સહિતના સંકલન સમિતિના સભ્યો હાજર છે. કરણસિંહ ચાવડા, તૃપ્તીબા રાઓલ, ડૉ. રૂદ્રરાજસિંહ ઝાલા, વિજયસિંહ ચાવડા, વાસુદેવસિંહ ગોહિલ, વી.એસ.જાડેજા પણ બેઠકમાં હાજર છે. ગોતા રાજપૂત સમાજભવન ખાતે બેઠક ચાલી રહી છે. છેલ્લા 3 કલાકથી ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી રહી છે.