અમદાવાદ : એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈને ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ રોડ-શોના બંદોબસ્તમાં એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સવારે સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બંદોબસ્તમાં ફરજ પર હાજર એક હોમગાર્ડ સાથે કરુણ ઘટના બની હતી. ગઢીયા ચોકડી પોઇન્ટ ઉપર હાજર હોમગાર્ડના જવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મૃતક પ્રવિણભાઈ પટેલ હોમગાર્ડ જવાન સાણંદના વસોદરા ગામનો વતની હતો.સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષથી ફરજ બજાવતા હતા.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના ગાંધીનગર બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રેલીમાં જય શ્રીરામ’ના નારા લાગ્યા હતા. શુક્રવારે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.