અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલ કેમ્પના હનુમાન મંદિર દ્વારા 23 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના પગલે 22 એપ્રિલના રોજ મંદિર દ્વારા ભવ્ય રામમંદિરના ટેબ્લો તેમજ વિવિધ ટેબ્લો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પના હનુમાનથી નીકળીને વાસણા જશે અને ત્યારબાદ સાંજે નીજ મંદિર પરત પહોંચશે.23 એપ્રિલ મંગળવારે ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી મંદિર–કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, મારૂતિ યજ્ઞ, ધ્વજા રોહણ, મહાપ્રસાદી (ભંડારો), છપ્પનભોગ (અન્નકૂટ)નું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પ હનુમાનના ટ્રસ્ટી સુધીર નાણાંવટીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન હનુમાનજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે 22 એપ્રિલને સોમવારના રોજ સવારે 7:30 વાગ્યે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર.શાહ તથા મેજર જનરલ ઓનરેબલ એસ.કે. વીર્ક તેમજ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ હનુમાનજી મંદિર-કેમ્પથી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ વખતે યાત્રામાં ખાસ આકર્ષણ શ્રીરામ મંદિર અયોધ્યાની વિશાળ આબેહૂબ પ્રતિકૃતિ, ટેબ્લો સ્વરૂપે સમગ્ર યાત્રામાં સામેલ રહેશે. આ ઉપરાંત શોભાયાત્રામાં 11 ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક ઉદ્દેશને રજૂ કરતા હશે, 14 સુશોભિત ટ્રકો હશે, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડો, હનુમાનજીની વિશાળ ગદા ઉપરાંત 200 ટુ-વ્હીલર તેમજ 50થી 75 ફોર વ્હીલર યાત્રામાં જોડાશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં પ્રણાલી છે કે, આપણા ઘરમાં કોઈપણ ઉત્સવ પ્રસંગે સૌપ્રથમ આપણાં વડીલોની અનુમતિ લઈએ છીએ. તેમના આશીર્વાદ મેળવીએ છીએ. એ જ પ્રણાલી મુજબ 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવની કેમ્પ-મંદિર ખાતે ઉજવણીની અનુમતિ તેમજ પિતાના આશીર્વાદ મેળવવા માટે આગલા દિવસે 22 એપ્રિલ સોમવારના રોજ હનુમાનજીના પિતા વાયુદેવતાના મંદિર વાસણા ખાતે શોભાયાત્રા સ્વરૂપે જઈ અને જન્મોત્સવ ઉજવવાની આશીર્વાદ સાથે અનુમતિ લઈને પરત આવીએ છીએ.