અમદાવાદ : અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સરાજાહેરમાં લૂંટનો બનાવ બન્યો છે. રોડ પર ઉભેલી કારમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા છે. જેને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ જમીન દલાલીનો વ્યવસાય કરતા કમલેશ દવે સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ એક આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને થલતેજ નારાયણ કોમ્પલેક્ષ માં નાસ્તો કરવા ઉતર્યા હતા. તે દરમ્યાન બે લોકો બાઈક પર આવ્યા હતા અને દૂર બાઈક ઉભી રાખીને તેમાંથી એક આરોપી અપંગ હવાનો ઢોંગ કરીને ચાલતો ચાલતો આવ્યો હતો અને કાચ તોડી તેમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો.
ત્યાં હાજર લોકોએ બૂમાબૂમ કરતા ફરિયાદી કમલેશ દવે કાર આગળ પહોંચે તે પહેલાં બે મિનિટના સમયગાળામાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. આ સમગ્ર મામલાને લઈને ફરિયાદી કમલેશ દવે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.