અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં શાકમાર્કેટમાં ગ્રાહક બનીને જ્વેલર્સમાં આવેલા બે યુવક અને એક યુવતીએ વેપારીની નજર ચુકવી સોનાની કાંટીનું પેકેટ લઇ રફુચક્કર બનતા વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા એક પેકેટ ઓછું જણાયું હતું. જેથી દુકાનદારે CCTV ચેક કર્યા તો ત્રણ લોકો જ આ ચોરી કરતા હોવાનું દેખાયું હતું. જેથી દુકાનદારે ત્રણેય વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નારણપુરામાં રહેતા અતુલ શાહને નવા વાડજ શાક માર્કેટમાં આભૂષણ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવે છે. ગત 3 મેના રોજ સાંજે તા30-040-24 થી તા-03-05-024 સુધીનો દિન-4 નો દુકાનના સ્ટોકની ગણતરી કરતા હતા, ત્યારે સ્ટોકમાં સોનાની 36 કાંટી દેખાઈ નહોતી. જેથી તેમણે તેમના દીકરા અને દુકાનના કર્મચારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ દુકાનના CCTV ચેક કર્યા ત્યારે 30 એપ્રિલ રોજ સવારે દુકાનમાં બે યુવક અનેક યુવતી ખરીદી કરવા માટે આવ્યા હતા.
ત્રણે જણા દુકાનમાં સોનાની કાંટીની ખરીદી કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમની દુકાનમાં નોકરી કરતા કલ્પેશ શાહ સોનાની કાંટી બતાવી રહ્યા હતા. આ સમયે કલ્પેશભાઈની નજર ચૂકવીને એક યુવકે 36 કાંટીનું પેકેટ ચોરી કરી લીધું હતું. ત્રણેય જણાએ ભેગા મળીને 29.430 ગ્રામ એટલે કે કુલ 1.47 લાખના સોનાની નજર ચૂકવીને ચોરી કરી હતી. ત્રણેય સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.