અમદાવાદ : અમદાવાદના નાગરિકો હવે મેટ્રો ટ્રેનમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને રિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે હવે ફીડર બસ સેવા શરૂ કરવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કયા મેટ્રો સ્ટેશનથી ક્યાં સુધી ફીડર બસ સેવા શરૂ થઈ શકે? તેમજ વધારે પેસેન્જર કયા રૂટ ઉપર મળી શકે? તે અંગેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને બસની સુવિધા મળી રહે તેના માટે ફીડર બસ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ફીડર બસની સેવા શરૂ કરવા માટે કયા સ્ટેશન પર વધારે પેસેન્જર ઉતરે છે? અને કયા રૂટ ઉપર વધારે જાય છે? તેના માટે એક સર્વે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સર્વે પૂર્ણ થયા બાદ ક્યાં ફીડર બસ સેવા શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
હાલમાં પૂર્વ વિસ્તારમાં ફીડર બસ શરૂ કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે ત્યારબાદ ફીડર બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં મેટ્રો સુધી પહોંચવા માટે લોકોને શટલ રીક્ષા કરવી પડે છે અને વધુ ભાડું ચૂકવવું પડે છે. જેથી લોકો રાહત દરે બસમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનમાં રોજના 50000થી વધુ લોકો મુસાફરી કરે છે.


