અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઇ થઇને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ ATSની ટીમે પકડ્યા હતા. આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે. પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઇ કામગીરી કરવાના ફિરાકમાં હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત ATSએ માહિતી મળતા જ ગઈકાલે રાત્રે 8 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ અને ગુજરાતમાં કેટલાક લોકો સંકળાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે.ગુજરાત ATSના અધિકારીઓ સહિત કેન્દ્રીય એજન્સીઓનો અધિકારી દ્વારા પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે. સૂત્રો મારફતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરવાની ફિરાક હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ગુજરાત ATSએ આ પહેલા પણ 2023માં ISIS મૉડ્યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.