અમદાવાદ : ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધા દેશનાં ઘણાં મોટાં રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં આ એક્ઝિક્યુટિવ લોન્ચ બંધ કરવામાં આવ્યું હોવાનું મીડિયા રિપોર્ટ જણાવે છે. કાલુપુર રેલવે સ્ટેશન નવું બનતા હજી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેથી ત્રણ વર્ષ સુધી હવે મુસાફરોને રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટને લઈને એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝિન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. 1 કલાકનો ચાર્જ ચૂકવી સુવિધાનો મુસાફરો એક્ઝિક્યુટિવ લોન્જનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો અને પ્લેટફોર્મ ઉપર જ પોતાનો સમય પસાર કરવો પડશે. રિડેવલપમેન્ટને લઈને આ લોન્જ બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજી પ્લેટફોર્મ પરની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત અનેક ટ્રેનો હજી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઊપડે છે અને ત્યાંથી જ અવરજવર થઈ રહી છે, ત્યારે જ્યાં સુધી સંપૂર્ણપણે કાલુપુર રેલવે સ્ટેશનને ઓપરેશન માટે બંધ ન કરવામાં આવે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ લોન્ચ ચાલુ રાખવામાં આવ્યું હોત તો મુસાફરોને કોઈ તકલીફ ન પડે. જોકે છેલ્લા કેટલાય સમયથી IRCTC દ્વારા ચલાવવામાં આવતા એક્ઝિક્યુટિવ લોન્ચની ફરિયાદો પણ મળતી હતી. હવે રિડેવલપમેન્ટ થવાનું હોવાથી હાલમાં આ સુવિધા બંધ કરી દેવાતા મુસાફરોને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.