અમદાવાદ : રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગર પાલિકા સફાળી જાગી છે. AMC કમિશ્નરે બાંધકામ અને ફાયર સેફ્ટી મુદ્દે એક SOP જાહેર કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કરેલી SOP પ્રમાણે હવેથી શહેરના તમામ ગેમઝોન,થિએટર અને ટ્યુશન ક્લાસીસમાં રેગ્યુલર ચેકિંગ થશે. મોલ અને હોટેલ જેવી ભીડભાડ વાળી જગ્યા પર ચેકિંગ કરવામાં આવશે. દર 3 મહિને નવી BU મેળવેલી બાંધકામની ચકાસણી કરાશે. પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની તપાસ થશે, વોર્ડ ઇન્સપેક્ટર ડેપ્યુટી TDOને કામગીરીનો રિપોર્ટ કરશે. ડેપ્યુટી TDO સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકારની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, શાળા, મોલ મલ્ટિપ્લેક્સ કોમ્યુનિટી હોલ થિયેટર ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરવાની ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવવાની સૂચના આપી હતી. અમદાવાદની તમામ સ્કૂલોમાં ત્રણ દિવસથી ફાયર સેફ્ટી અને NOC બાબતે તપાસ ચાલી રહી છે. સ્કૂલોમાં છાપરા હોય અથવા તો BU પરમિશન કરતા વધુ બાંધકામ કર્યું હોય કે, જેનાથી વિદ્યાર્થીઓને જોખમ રહેલું હોય તો તે અંગે સ્કૂલ પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહીના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર NOC લેવામાં આવી છે કે, કેમ તે અંગેની ચકાસણી કરવામાં આવશે જો ફાયર NOC લેવાની થતી નથી તો ફાયરના સાધનો અથવા સિસ્ટમ લગાવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા બી યુ પરમિશન લીધા વિના અથવા પ્લાન પાસ વિના તેમજ ફાયર NOC વગર ચાલતી હશે તો તેને નોટિસ આપવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.