અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી કે ઉચાપતને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ અમદાવાદનાં એક પોલીસ સ્ટેશન માંથી જ લાખો રૂપિયાની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઉચાપત કરનાર કાયદાનો રક્ષક પોલીસ કર્મચારી જ છે. આ ઘટના સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.આ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજવત ASI જયેન્દ્રસિંહ પરમારે જુદા જુદા ગુનાઓનાં સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણા 53.65 લાખની ઉચાપત કરી છે. 6 મહિના અગાઉ પ્રકાશમાં આવેલી ઉચાપતની ઘટના ઘર મેળે પતાવવાના પ્રયાસ કરી રહેલી સાબરમતી પોલીસને આખરે ફરિયાદ નોંધવાની ફરજ પડી.
નવેમ્બર-2023માં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે 7 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડના પદ પર ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહ પરમારની તારીખ 9 નવેમ્બર 2023ના રોજ વિશેષ શાખામાં બદલી થઈ ગઈ હતી. દરમિયાનમાં 23 નવેમ્બર 2023થી જયેન્દ્રસિંહ પરમાર બિમારીની રજા પર ચાલ્યા ગયા હતા. 25 નવેમ્બર 2023માં ઓઢવ પોલીસ સ્ટેશન ખાતેથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ASI વિનોદભાઇ ગોરાભાઇને માર્ચ-2024માં હંગામી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિમણૂક અપાઈ હતી.
એક રિપોર્ટ મુજબ પોલીસ સ્ટેશનમાં રહેલા મુદ્દામાલની ચકાસણી અને ગણતરી વખતે ASI વિનોદભાઇના સાથી કર્મચારી કોન્સ્ટેબલ મુકેશભાઇ હમીરભાઇએ જણાવ્યું હતું કે, મુદ્દામાલની તિજોરીઓની ચાવીઓ હંમેશા જયેન્દ્રસિંહ પોતાની પાસે જ રાખતા હતા. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાનો રોકડ મુદ્દામાલ ગાયબ હોવાની જાણકારી મળતા વિનોદભાઇએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 દરમિયાન કુલ 262 ગુનાના કામે કબજે લેવાયેલા લાખો રૂપિયા ગાયબ છે. આ ઉપરાંત હરાજી કરાયેલા મુદ્દામાલની રકમ પણ ASI જયેન્દ્રસિંહ ચાંઉ કરી ગયા છે.
આ ઘટના સામે આવતા જ પીઆઇ કક્ષાના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં આટલી મોટી ઘટનાની અનેક વર્ષો સુધી એક પણ અધિકારીને જાણ ન થતાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે જાણ કરીને આખરે પોતાના ના જ તાબાના ASI જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર સામે ઉચાપત નો ગુનો નોંધી તેની ધરપકડ કરી ને મુદામાલ રિકવર કરવા અને આખા કૌભાંડની તપાસ શરુ કરી છે.