અમદાવાદ : આગામી ચોમાસાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગઈકાલે કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવી 130 જગ્યામાંથી 102 સ્થળે કામ કરાયાનો દાવો કર્યો છે. પરંતુ આ તમામ સ્થળે પાણી ભરાશે જ એવું અધિકારીઓનું માનવું છે, જોકે, પ્રી-મોન્સુનની કામગીરી અંતર્ગત સૌથી વધુ પાણી ભરાતા સ્થળો પર ઝડપી પાણીનો નિકાલ થાય એ પ્રકારની કામગીરી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં અલગ કલર કોડ પ્રમાણે વરસાદી પાણી ભરાવવાનાં સ્થળો નક્કી કરાયાં છે, જેમાં સૌથી વધારે પાણી ભરાય છે એવાં સ્થળોને ઓરેન્જ, મધ્યમ પાણી ભરાય છે એવાં સ્થળોને બ્લૂ અને ઓછું પાણી ભરાય એવાં સ્થળોને યલો કલર કોડ આપવામાં આવ્યા છે. જોકે કલર કોડ પ્રમાણે કયા સ્થળ પર વધુ પાણી ભરાય છે એ અંગેની માહિતી તેઓ આપી શક્યા નહોતા.
શહેરનાં 255 સ્થળે ઈન્સ્ટોલ કરવામાં આવેલા 2236 સ્માર્ટ સિટી કેમેરા (ANPR +RLVD) + (BRTS Lane કેમેરા (ANPR) કેમેરાઓ, 130 સ્થળે ઈન્સ્ટોલ કરવામાં આવેલા 130 ચાર રસ્તા જંક્શન પરના કેમેરા PTZકેમેરા, અંડર પાસનાં 18 સ્થળે ઈન્સ્ટોલ કરવામાં આવેલા 36 કેમેરા એમ કુલ થઈ 403 સ્થળના કુલ 2385 સીસીટીવી કેમેરા દ્વારા વરસાદી પાણી ભરાવવાથી લઈ તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.
શહેરમાં ચોમાસા પહેલાં ગટરોની કેચપિટ અને મેઈન હોલની સફાઈ કરવામાં આવતી હોય છે. દર વર્ષે ચોમાસા પહેલાં ત્રણ વખત કેચપિટોની સફાઈ પૂર્ણ કરવામાં આવતી હોય છે. જોકે ચાલુ વર્ષે કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ ચોમાસાના 10 દિવસ પહેલાં 63735 જેટલી કેચપિટોની સફાઈ પૂર્ણ કરી ચૂક્યા છે. હજી સુધી પૂરતા પ્રમાણમાં થઈ નથી. શહેરમાં તમામ કેચપિટોની સફાઈ કરવાની જગ્યાએ માત્ર વરસાદી પાણીના નિકાલ અંગેની જ કેચપિટોની સફાઈ કામગીરી પૂર્ણ થઈ છે.
21 અંડરપાસ માંથી પાણીના નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મુકવામાં આવ્યા, cctv થી સતત નજર રખાશે. વરસાદી પાણીના નિકાલ માટે 63649 કેચપીટની સફાઈ કરવામાં આવી, સતત ચાલુ રહેશે. સાબરમતી નદીમાં વરસાદી પાણીના નિકાલ માટે પશ્ચિમ છેડે 23 અને પૂર્વ છેડે 18 ડિસ્ચાર્જ પોઇન્ટ નક્કી કરાયા છે. ખારીકટ કેનાલમાં પાણી નિકાલ માટે 67 સંપ બનાવવામાં આવ્યા, 113 પંપ દ્વારા પાણી નિકાલ કરવામાં આવશે.
આ બેઠકમાં લેવામા આવેલા પગલા વિશે માહિતી આપવામા આવી. જેમાં સાતેય ઝોનમાં મળી 24 કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 27 સ્થળોએ રેઇન ગેજ મુકવામાં આવ્યા છે. ઝોન મુજબ વોટ્સએપ મારફતે ફરિયાદ નોંધાવી શકાશે. આકસ્મિક સંજોગો માટે વિવિધ વિભાગોંની ટિમ સ્ટેન્ડબાય રહેશે. વરસાદી પાણી ભરાવાના 130 સ્થળોની ઓળખ કરી જરૂરી કામગીરી કરવામાં આવી છે.
પ્રી-મોન્સૂન એક્શન પ્લાનને લઈ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં 3600 કિમીના રસ્તા પૈકી માત્ર 950 કિમીની સ્ટ્રોમ વોટર લાઈનો નાખવામાં આવી છે. બાકીના રસ્તાઓ ઉપર લાઈનો નાખેલી જ નથી, જેને લઈને અમદાવાદ શહેરમાં થોડા સમયમાં ચોમાસાની સિઝન શરૂ થવાની હોઈ પ્રી-મોન્સૂન મિટિંગો કરવામાં આવે છે અને એક્શન પ્લાન બનાવવામાં આવે છે, પરંતુ એક્શન પ્લાન નિષ્ફળ જવાની પૂરી સંભાવના છે. કોંગ્રેસપક્ષ દ્વારા માગણી કરવામાં આવી છે કે કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લઈ વિવિધ પ્રકારની સમસ્યામાં નાગરિકોને હાલાકી ન પડે એ માટે આગોતરું આયોજન કરવામાં આવે.