અમદાવાદ: શહેરમાં આવેલી અનેક ખાણીપીણીની હોટેલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં ખાવાની વસ્તુઓમાંથી જીવજંતુ સહિતની અનેક વસ્તુઓ હવે દર બે દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવે છે. ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત મળી આવતા ફરી એકવાર બેદરકારીનો આક્ષેપ દાસ ખમણના આઉટલેટ પર લાગ્યો છે. આજે ગ્રાહકે દુકાનદારનો સંપર્ક કરતા દુકાનદારે હવે આવું નહીં થાય કહીને માફી માંગી હતી. આ બાબતે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં દાસ ખમણ નામની બ્રાન્ડની વિવિધ જગ્યાએ આવેલી છે. શહેરના પાલડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલી દાસ ખમણની દુકાનમાંથી રાજ શાહ નામના વ્યક્તિએ નાસ્તાનો ઓર્ડર કર્યો હતો. ખમણ, સેવખમણી સહિત અનેક વસ્તુઓ સાથે ઓર્ડરમાં ચટણી પણ આપવામાં આવી હતી. જેમાં જીવાત નીકળી હતી. ઘરે આ ચટણી ખાધા બાદ થોડી બચી ગયેલી ચટણીમાં જોયું તો જીવાત મળી આવી હતી. ગ્રાહક આખી ચટણીની થેલી લઈ આઉટલેટ પર પહોંચ્યો હતો, દુકાનદારે સ્વીકાર્યું હતું કે ભૂલ થઈ ગઈ હશે અને હવે આવું ફરીથી નહીં થાય. જ્યાં દુકાનદારે માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ અનેક વાર આવી બેદરકારી સામે આવી ચૂકી છે. 18 ફેબ્રુઆરી 2024એ મણિનગરમાં દાસ ખમણની ચટણીમાં જીવડું નીકળ્યું હતું. ખાધા બાદ પરિવારે ઉબકા-ઉલ્ટી થયાનો આક્ષેપ કર્યો હતો. તે ઉપરાંત, 6 ઓગસ્ટ 2022માં અમદાવાદના જાણીતા દાસ ખમણ હાઉસને કોર્પોરેશને સીલ માર્યું હતું. જ્યાં બિનઆરોગ્યપ્રદ તેલનો ઉપયોગ થતો હતો.