અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઈવે પર છાસવારે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે એસ જી હાઇવે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં SG-2 ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ વીડિયો મુજબ શ્રી રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવાન બ્રિજ પાસેથી રોંગ સાઈડમાં યુ ટર્ન લઇને લોકોના જીવને જોખમમાં મૂકી લક્ઝરી બસ ચલાવી રહ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સફેદ કલરની શ્રી રામ લખેલી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પકવાન બ્રિજના છેડાથી યૂ ટર્ન લઈ રોંગ સાઈડમાં આવી રહી હતી. ડ્રાઇવરે રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને રસ્તા પર જતા લોકોના તથા બસના મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થતા SG-2 ટ્રાફિક પોલીસ દ્વારા બસના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બસના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે લક્ઝરી બસને ડિટેઇન કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે અમદાવાદ શહેર કમિશ્નર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.