અમદાવાદ: સ્કૂલ વેન અને રિક્ષાની હડતાલને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આખરે અમદાવાદના સ્કૂલવાન અને સ્કૂલ રીક્ષા ચાલકોની હડતાલ સમેટાઈ છે. બે દિવસથી ચાલતી હડતાળનો સુખદ અંત આવ્યો છે. સ્કૂલ વેન ચાલકોની વાહન પરમીટ અને ફિટનેસ સર્ટિફિકેટની માંગને લઇ 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદ RTO એ વાત સ્પષ્ટ કરે છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારની બાનછોડ નહીં થાય. 45 દિવસના આ સમય દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે તે પરમિટ વગરના વાહન ચાલકની રહેશે.
View this post on Instagram
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સુભાષબ્રીજ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી. RTO અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે સ્કૂલ વાનચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી છે.
હાલ માત્ર 800 થી 1000 જેટલા વાહનોને જ સ્કૂલ વાહનની પરમિટ છે. જ્યારે શહેરમાં 15 હજાર જેટલા સ્કૂલ વાહનો છે. ત્યારે આ તમામ વાહનોની પરમિટ માટે ત્રણ મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો જે મામલે બેઠકમાં ચર્ચા થઈ હતી અને આખરે સ્કૂલ વાનચાલકોને 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
RTO સાથે બેઠક બાદ સ્કૂલ વર્ધી એસોસિએશન પ્રમુખ ધર્મેન્દ્ર ભ્રમભટ્ટનું નિવેદન છે કે, બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી અમે બાળકોને લેવા જવાનું શરૂ કરીશું. વાહનોને કાયદેસર કરવાની કામગીરી બે મહિનામાં પૂર્ણ કરીશું. ઝડપ અને મીટર, સીએનજી ટેન્ક બાબતની અમારી માંગ જારી છે.