અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફૂડસ્ટોલ કે પછી રેસ્ટોરાંના ભોજનમાંથી જીવાત અને કિડા નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદ બાદ જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હોવાનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જામનગરમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે.ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. ગુજરાતની લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ જામનગરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજીની વેફર ખરીદી હતી અને જ્યારે તેણે વેફરનું પેકેટ ખોલ્યું તો તેમાં વેફરની સાથે મરેલો દેડકો હતો. જેના કારણે આ વ્યક્તિએ ફૂડ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ વ્યક્તિએ ખરીદેલા વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળતા તેમણે જે દુકાનમાંથી ખરીદી કરી હતી ત્યાં ફરિયાદ કરી હતી. તેમણે તેને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાનું કહ્યું હતું પરંતુ ત્યાંથી તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેના કારણે તેમણે બાદમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. ફૂડ વિભાગને આ અંગે જાણ કર્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું. ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી અને તેમણે વેફરનું પેકેટ લીધું હતું અને જ્યાંથી તે લેવામાં આવ્યું હતું તે એજન્સીની તપાસ પણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે તે વેફરના પેકેટનું સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલ્યું છે.
છેલ્લાં કેટલાક સમયથી રાજ્યભરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. ક્યાંક ભેળસેળવાળો ખોરાક, તો ક્યાંક ફૂડમાં જીવાત નીકળવાના કિસ્સા બની રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ માટે જાગૃત નાગરિકો ફરિયાદ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આવી ઘટનાઓથી આરોગ્ય વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે.