અમદાવાદ : ખાદ્યચીજોમાં ભેળસેળની વાત ચિંતાજનક રીતે સામાન્ય બની ગઈ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીની વાનગીઓમાં જીવજંતુઓ નીકળવાની ઘટના લોકોને ચોંકાવી રહી છે.ત્યારે અમદાવાદના નિકોલનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. આ ઘટના ચોક્કસથી બહારનું જમવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન કહી શકાય તેમ છે.
View this post on Instagram
હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ વીડિયો અમદાવાદના નિકોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં ગ્રાહકે ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે આપેલા સંભારમાંથી એક એવી વસ્તુ નીકળી હતી, જેની કલ્પના થઇ શકે નહીં. સંભારમાંથી મરેલો ઉંદર નીકળતાં ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો અને રોષે ભરાયો હતો. દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર મળ્યાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
જોકે, આ પહેલી વખત બનેલી ઘટના નથી. ખાવાપીવાની વસ્તુઓમાંથી જીવાત કે આ પ્રકારની વસ્તુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી હતી. જ્યાં વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો હતો. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી, જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.