અમદાવાદ : અમદાવાદમાં રોંગ સાઈડે આવતાં વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. આ લોકોએ જામીન મેળવવા માટે પોલીસ સ્ટેશન સુધી લાંબા થવું પડ્યું હતું. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજુ 9 દિવસ ચાલુ રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવના પ્રથમ દિવસે 160 લોકો સામે FIR કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમો ગીચ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ હતી.ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધ કરી દેવામાં આવતાં ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહનો રોંગ સાઈડમાં આવતા હોય છે. પિકઅવર્સમાં તો ટુ-વ્હીલર અને કાર ઉપરાંત ભારે વાહનો પણ રોંગ સાઈડમાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે.આ ઉપરાંત ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાતી હોય છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઈડે વાહન લઈ આવતા 7,368 લોકોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.1.28 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. જો કે, આ વખતે પહેલીવાર રોંગ સાઈડમાં આવનારા લોકો સામે FIR કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.રોંગ સાઈડે આવતા વાહનચાલકો સામે IPCની કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ રોડ અકસ્માત અટકાવવા સુરક્ષાના ભાગરૂપે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વાહન અકસ્માતોમાં સંખ્યાબંધ કિસ્સામાં રોંગ સાઈડે આવતા વાહનો જવાબદાર હોવાથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા અને પોલીસ કાર્યવાહીથી બચવા અપીલ કરી છે.