અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એકવાર ખાદ્ય પદાર્થમાં કંઈક એવું નીકળ્યું, જે જોઈને ચીતરી ચઢી જાય. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ પિઝા સેન્ટરના પિઝામાંથી વાળ નીકળ્યો હતો. આરપી પિઝેરિયામાં (RPS) ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત ગ્રાહકે AMCમાં ફરિયાદ નોંધાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ નવા વાડજ વિસ્તારમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલ શિવાલીક સ્ક્વેર કોમ્પલેક્ષમાં આરપી પિઝેરિયા નામની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. તમામ લોકોએ પીઝા ખાધો હતો, જ્યારે છેલ્લો એક પીઝા આવ્યો ત્યારે તે પીઝામાં જોયું તો વાળ નીકળ્યો હતો. વાળ નીકળતા તેઓએ રેસ્ટોરન્ટમાં હાજર મેનેજરને બોલાવી અને બતાવ્યું હતું. ખાવાની વસ્તુમાં આ રીતે વાળ આવવાની ફરિયાદ કરતા મેનેજરે આ બાબતે પોતાની ભૂલ સ્વીકારી અને સોરી કહી દીધું હતું તેમને પણ ખ્યાલ નથી, આ વાળ ક્યાંથી આવ્યો. AMCના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી. આ બાબતે હજી સુધી કોઈરેસ્ટોરન્ટમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું નથી.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે આવેલા દેવી ઢોસાના સાંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના બાદ પાલડીમાં આવેલ દાસ ખમણમાંથી જીવાત નીકળી હતી, ત્યારબાદ ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ જીવાત મામલે ફરિયાદ કરી હતી. દુકાનમાલિકે આ બાબત સ્વીકારી ફરી આવું નહિ થાય કહી માફી માંગી લીધી હતી.ગ્રાહકે આ બાબતે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.