અમદાવાદ : આવતીકાલ તા. 25 જૂનને મંગળવારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અંગારકી ચતુર્થી(અંગારક યોગ) આવે છે. અંગારકી સંકષ્ટ ચતુર્થીનું ખૂબ જ મહાત્મ્ય છે છે અને તે 21 ચોથ કર્યાનું ફળ આપે છે. ચોથની તિથીના દેવતા ગણેશજી હોવાથી આ દિવસને વરદ કે દમનક ચોથ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આવા દિવસે વિઘ્નહર્તા (દુદાળા દેવ)ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે તો જીવનમાં સંકટ રૂપી સમસ્યા હલ થશે.
અંગારકી સંકષ્ટ ચતુર્થી એટલે વિઘ્નહર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનું પર્વ. મંગળવારે વહેલી સવારથી મોડી રાત સુધી ગણેશ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. આ વ્રત ધારણ કરનારે રાત્રે ચંદ્ર દર્શન રાત્રિએ 10.44 કલાકે કરી ત્યારબાદ લાડુનો ભોગ ધરાવી પ્રસાદ લઇ શકે છે. ગણેશજીને જાસૂદના ફૂલ દુર્વા, ગોળ, મોદક જનોઈ અર્પણ કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. સાથોસાથ ઋતુ ફળ અર્પણ કરાય છે. ત્યારબાદ ધૂપ-દીપ અગરબત્તી કરી વંદન કરવામાં આવે છે.
સિધ્ધિ વિનાયક મંદિર (અખબારનગર સર્કલ) ના શાસ્ત્રી ધર્મેન્દ્ર વ્યાસના અનુસાર આ ચોથનું વ્રત કરવાથી 21 ચોથ કરવા જેટલું ફલ પ્રાપ્તિ થાય છે. જે જાતકની કુંડળીમાં મંગળદોષ હોય તેમણે અવશ્ય પૂજા વ્રત કરવું જોઈએ. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે આ વ્રત વધુ ફળદાયી નીવડશે. વિદ્યાર્થી ગણે ગણેશજીનો સ્તોત્ર, ગણપતિ અથર્વશીર્ષ પાઠ, નામાવલી કરવાથી વિદ્યા પ્રાપ્તિ માટે વધુ શુભ મનાય છે. ગણેશ યાગ કરી તલના લાડુનો પ્રસાદ સાથે દૂર્વાથી પૂજા કરવાથી સર્વ પ્રકારે મનોકામના પરિપૂર્ણ થાય છે.
તેઓના જણાવ્યા અનુસાર નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાય છે. જ્યારે નોકરિયાત કે ધંધાદારી વર્ગ માટે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી બે હાથ જોડીને સહહદય પૂર્વક પ્રાર્થના કરવાથી લાંબા સમયના અટકેલા કાર્યો પૂર્ણ થશે, કારણ કે ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા માંગલિક કાર્યોમાં અગ્રેસર હોવાથી આ ચતુર્થી નો ઉપવાસ કરવાનું વધુ ફળદાયી નિવડશે જેનાથી પરિવારમાં અખંડ લક્ષ્મી બની રહેશે.
અંગારકી સંકષ્ટ ચતુર્થીએ સંકટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ જ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે શ્રી ગણપતિ અથર્વશીર્ષ, ગણેશ ચાલિસાનું પણ પઠન કરશે. આ ઉપરાંત ‘ઓમ્ ગં ગણપત્યૈ નમઃ’ મંત્રના યથાશક્તિ જાપ પણ કરવા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.