અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં જુના વાડજ સર્કલ તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ થલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા 73 વર્ષીય રમણ પટેલ પોતાની MG એસ્ટર કાર લઇને સોરાબજી કમ્પાઉન્ડથી જુના વાડજ સર્કલ દશા માતાના મંદિર પાસે સાંજે ઓવરસ્પીડમાં આવતા હતા ત્યારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા 3 ટુ-વ્હીલર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં ત્રણ મહિલા સહિત છ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 55 વર્ષીય ભોગીલાલને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય અલકાબેન પરમાર, 80 વર્ષીય નર્મદાબેન સવદરિયા અને 40 વર્ષીય જાનકીબેન પરમાર આ ઉપરાંત અન્ય બે અજાણ્યા પુરુષો હાલ સારવાર હેઠળ છે. જો કે, બનાવ સ્થળે ટ્રાફિક ACP સહિતની ટીમ પહોંચી હતી અને કાર ચાલક રમણ પટેલની અટકાયત કરવામાં આવી હતી.
તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગીલાલ પરમાર નામના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી હતી. પોલીસ તપાસ મુજબ, કારચાલકની ઓળખ થલતેજમાં રહેતા 73 વર્ષિય રમણ પટેલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.