અમદાવાદ : અમદાવાદમાં અવર નવાર અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં એસ પી રીંગ રોડ પાસેના ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ હિબકી ઉઠ્યા હતા.અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી ગિરિવર રેસિડેન્સી તરફ જવાના રસ્તે સ્કૂલ વાન જઈ રહી હતી. SIS સ્કૂલના બાળકો સ્કૂલ વાનમાં બેઠેલા હતા. સ્કૂલ વાનની આગળ અને પાછળ પણ ગાડી આવી રહી હતી. આગળની ગાડીએ બ્રેક મારતાં સ્કૂલ વાનના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી જેના કારણે પાછળથી આવી રહેલી ગાડીએ સ્કૂલ વાનને ટક્કર મારી હતી. સ્કૂલ વાનને ટક્કર મારતાં સ્કૂલ વાન આગળની ગાડીએ પણ અથડાઈ હતી. બંને ગાડીઓ વચ્ચે સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો.
અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા થઈ છે જેમાંથી એક બાળકને માથામાં સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે એક બાળકીને મોઢાના ભાગે ઈજા થઈ છે. બંને બાળકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અક્સ્માત થતાં સ્કૂલ વાનમાં બેઠેલા અન્ય બાળકો ડરી ગયા હતા જેથી રડવા લાગ્યા છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક પણ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરી કાર્યવાહી શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ઘેંટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે છતાં વાલીઓ પોતાના જ સંતાનોને લાચાર બનીને જોયા કરે છે. કારણકે કેટલાક કિસ્સામાં ઓછા બાળકોને બેસાડવા માટે વાન કે રીક્ષા ચાલકો જેટલા પૈસા માંગે છે તેટલા આપવાની વાલીઓની ત્રેવડ નથી હોતી અને ઘણી વખત વાલીઓ વધારે પૈસા આપવા તૈયાર હોય છે પણ તેમને સ્કૂલ વર્ધીના વાહનનો વિકલ્પ મળતો નથી.