અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભ સદન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રિવરફ્રન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ હાઉસના ટોપ ફ્લોર પર હવે રેસ્ટોરન્ટ જોવા મળશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલું રિવરફ્રન્ટ હાઉસ પાંચ માળનું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને બુલેટ ટ્રેનની ઓફિસ આવેલી છે. પાંચમો માળ બનાવવામાં આવ્યો છે. ટોપ ફ્લોર પરનો ભાગ ખુલ્લો છે અને ત્યાં બાંધકામ પણ કરવામાં આવેલું નથી. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાંચમા માળને માત્ર રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસિક 22.38 લાખ (મેન્ટેનન્સ અને વધારાના ટેક્સ સિવાય)નું લઘુતમ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક અંદાજિત 3 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હવે કરોડો રૂપિયાની આવક ઊભી કરવા માટે જ્યાં સરકારી ઓફિસો આવેલી છે તેવા જ સ્થળ પર ટોપ ફ્લોર પર માત્ર રેસ્ટોરન્ટ અથવા ચેઈન ઓફ રેસ્ટોરન્ટ માટે જ ભાડે આપવા અંગે નિર્ણય લેવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. ભાડેથી રેસ્ટોરન્ટ ચલાવવાના આપવામાં આવેલ ટેન્ડરની શરતમાં એક શરત એવી મૂકવામાં આવી છે કે, રિવરફ્રન્ટ હાઉસમાં સરકારી અને અર્ધ સરકારી ઓફિસો આવેલી છે. પરિણામે ઓફિસ છે તો ત્યાં ખલેલ ન પહોંચે તેવી પણ શરત રાખવામાં આવી છે.
રિવરફ્રન્ટ હાઉસમાં બુલેટ ટ્રેન, આરબીઆઈ કોર્પોરેશન સહિતની ઓફિસો આવેલી છે ત્યારે રેસ્ટોરન્ટમાં આવતા લોકોને કારણે લોકોની અવર-જવર વધતા સરકારી ઓફિસોના કામકાજ પર અસર થઈ શકે છે. સરકારી કચેરીઓ હોય ત્યાં રેસ્ટોરન્ટ બનાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે?