અમદાવાદ : અમદાવાદમાં માનવતાને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એક બાળકને ડામ દેવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પીડિત બાળકના દાદાએ બાળકના પિતા, સાવકી માતા અને સાવકી માતાના માતા-પિતા વિરુદ્ધ FIR નોંધાવી છે. અમદાવાદની બોડકદેવ પોલીસે બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકના મેડિકલ રિપોર્ટની તપાસ અને કાઉન્સેલિંગ કર્યાના છ મહિના પછી જુવેનાઈલ એક્ટ હેઠળ FIR નોંધી છે.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 6 વર્ષીય બાળકનાં દાદાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા પુત્રની પહેલી પત્નીને નાના દીકરા સાથે પ્રેમસંબંધ થતાં લગ્ન કર્યા હતા. આથી, મોટા દીકરાએ પહેલી પત્નીને છૂટાછેડાં આપીને અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. મોટો દીકરો અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર જમાઈ તરીકે રહેવા ગયો હતો. પહેલી પત્નીથી એક દીકરો હોવાથી તેને પણ સાથે લઈ ગયો હતો.
આરોપ મુજબ, થોડા દિવસ પહેલા પહેલી પત્નીનાં બાળકને પુત્ર દાદાને ઘરે મૂકવા આવ્યો હતો. દરમિયાન, દાદાને જાણ થઈ કે 6 વર્ષીય બાળકને ડામ દેવામાં આવ્યા છે. આ મામલે હવે શાહીબાગ ખાતે રહેતા દાદાએ પોતાના મોટા દીકરા, તેની પત્ની અને સાસું-સસરા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.