અમદાવાદ: આજકાલ લોકો એમાંય ખાસ કરીને યુવાનો વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે. હવે તેમના આ સપનાને વઘારે વેગ આપી એજન્ટો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દેતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ન્યુ રાણીપના ચાર મિત્રો સાથે બન્યો છે. ન્યુ રાણીપમાં ચાર મિત્રો સાથે વડોદરામાં આવેલી વિઝા કન્સલટન્સીના ત્રણ કર્મચારીઓએ રૂ1.60 કરોડની ઠગાઈ આચરી હોવાનો બનાવ બન્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરનાં ન્યુ રાણીપમાં આવેલા શિવાદર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ સહિત ત્રણ મિત્રો સાથે બની છે. હાર્દિક પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને તેને કેનેડા જવા માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતુ. આ અંગે તેને પોતાના મિત્રોને પણ જાણ કરી તો પછી ત્રણ મિત્રો સાથે મળીને તેણે એક સારી વિઝા કન્સલ્ટન્સી ફર્મ ક્યાં આવી એની તપાસ ગૂગલ પર શરૂ કરી દીધી હતી.
શિવા દર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2021માં હાર્દિક ભાઈ અને તેમના ચાર મિત્રોએ કેનેડામાં ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ મેળવીને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે ગુગલ પર સર્ચ કરીને વડોદરાના વિઝા કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતો. ઋષિકેશ પુરોહિત નામના એજન્ટે એક વ્યક્તિના રૂ. 40 લાખ માંગ્યા હતા. જેથી ચારેય મિત્રોએ ટુકડે ટુકડે કરીને વર્ષ 2021થી 2023 સુધીમાં રૂ.1.60 કરોડ ચૂકવી આપ્યા હતા.
વર્ષ 2021 થી 2023 સુધીમાં એજન્ટ અને તેમની ટોળકીના સભ્યોએ ચારેય મિત્રો પાસેથી કેનેડાના ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ આપવાની લાલચ આપતા હતા. વિઝા રીજેક્ટ થયા છે કેનેડામાં બીજા રાજ્ય માટે વિઝા મુકવા પડશે તેમ કહીને પણ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં પણ વિઝા નહી આવતા એજન્ટે મોબાઈલ અને ઓફીસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.
આ મામલે યુવકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋષિકેશ વિનાયક પુરોહિત (રહે, વડોદરા) બિશ્વદીપ બિનોય દેય (રહે, દેહરાદુન) તથા સુજાતા વાધવા (રહે, મણિનગર) ત્રણ વિરુદ્ધ છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.